જેઠ કૃષ્ણ ચતુર્થી થી લઈને શ્રી ગણેશ નવરાત્ર સુધી પ્રત્યેક ચતુર્થીના રોજ ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પાઠ શાળાના ઋષિ કુમારો સોમનાથ પરિસરમાં ગણેશજીના ચરણોમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરશે. સમગ્ર ગુજરાતની પ્રત્યેક પાઠશાળા સોમનાથ ટ્રસ્ટના આ મહા અનુષ્ઠાનમાં સહભાગી બનશે જેનાથી સંસ્કૃત પાઠશાળાઓના જ્ઞાનના આદાનપ્રદાનના દ્વાર પણ ખુલશે. આ મહા અનુષ્ઠાનમાં ઋષિકુમારોના ઓજસ્વી મંત્રોચ્ચાર થી પ્રેરણા લઈને અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અંગે પ્રેરિત થશે. સંકષ્ટી ચતુર્થી ના અવસર પર સાંદિપની વિદ્યાનીકેતનની સંસ્કૃત પાઠ શાળાના 111 ઋષિકુમારો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠ શાળાના 28 ઋષિ કુમારો અને બંને પાઠ શાળાના ગુરુજી દ્વારા શ્રી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. સામુહિક રીતે 6,000 થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ સંપન્ન થયા હતા.