આજે વહેલી સવારે દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી, આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના વણા ગામ નજીક એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવત બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ પોલીસની કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી બસમાં સવાર મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના વણા ગામ નજીક બસ પલટી મારી જતા 40થી વધુ લોકોને ઈજા પહોંચી છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત ભાજપનાં અગ્રણી આગેવાનો મેડિકલ કોલેજ પહોંચી ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. ડ્રાઈવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.ઉલ્લેખનીય છે કે એ પણ માહિતી સામે આવી છે કે બસમાં ક્ષમતા વગર પેસન્જર ભર્યા હતા. નોંધનીય છે કે સમગ્ર મામલે પોલીસે પણ તપાસ આદરી છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }