સુરત માં ભારે વરસાદની સંભાવના વચ્ચે બુધવારે સવારે કતારગામ અને વરાછા સહિતના શહેરના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં બે કલાકમાં દોઢ ઇંચથી વધુ પાણી વરસી ગયું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘણી જગ્યાએ ઘૂંટણ અને કમર સુધી પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અશ્વિનીકુમાર અંડરબ્રિજમાં કમર-ઉંડા પાણી જમા થયા હોવાથી ત્યાંથી પસાર કરતી વખતે ઓટો રિક્ષા ફસાઈ ગઈ હતી. તેવી જ રીતે કતારગામ હાથી મંદિર પાસે એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. તો બીજી તરફ ડભોલી ચાર રસ્તા અને લલીતા ચોકડીમાં પણ પાણી જમા થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ સવારે બાળકોને શાળાએ લઈ જવામાં સૌથી વધુ મુશ્કેલી હતી. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ઝોનમાં સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ 42 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ 7 મી.મી. દક્ષિણ ઝોનમાં વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઝોન Aમાં 28 મીમી અને પૂર્વ ઝોન બીમાં 32 મીમી વરસાદ થયો હતો.
રીપોટૅર; સુનિલ ગાંજાવાલા, સુરત