વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી માટે માંગ સામે કોઈ ચોક્કસ પગલાં ન લેવાતા તેઓ એ ધરણા કરવાનું મન બનાવી લીધું છે. તેમજ તેઓની મનપા કચેરી પાસે ધરણા કરવા માટેની પ્રથમ મંજૂરી ટ્રાફિકના કારણોસર નકારી દેવામાં આવતા આજે ફરીવાર હોસ્પિટલ ચોકમાં આંબેડકરની પ્રતિમા પાસે ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે રીતે ધરણા કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. આ મુદ્દે બે-બે રેલી યોજી રજૂઆતો કર્યા છતાં કોઈ ચોક્કસ કામગીરી નહીં થતા વાલ્મિકી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળ્યું હતું. આ ઉપરાંત મંજૂરી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. આ ઉપરાંત રાજકોટ સફાઇ કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયા એ જણાવ્યું હતું કે રાજકોટ કોર્પોરેશનમાં છેલ્લા 26 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી થઈ નથી. અને આ બાબતે 2018માં મોટું આંદોલન થયા બાદ 400થી વધુ લોકોની ભરતી મંજુર કરાઈ હતી. જોકે આજે 5વર્ષ થવા છતાં આ ભરતી થઈ નથી તેમજ આ અંગે કોઈ પણ જવાબ પણ મળ્યો નથી.