આગામી તા. 17 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શહેરના ‘રામ મેદાન'(વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ) ખાતે પાંચ દિવસીય ”શ્રી રામ પધાર્યા મારે ઘેર” દિવ્ય અને ભવ્ય મહોત્સવનું શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે મહોત્સવ અનુસંધાને ‘રામ મેદાન’ ખાતે રામસેવકોની મહાબેઠકનું આયોજન ગત તા. 10 જાન્યુઆરીની સંધ્યાએ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકીરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, કાર સેવક મુરલીભાઈ દવે, સંજયભાઈ અજુડીયા, સહિતના 500 જેટલાં રામસેવકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સાધ્વી રાધે મૈયાની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ મહોત્સવ અનુસંધાને રામસેવકોને સંબોધન કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકીરીયાએ ”શ્રી રામ પધાર્યા મારે ઘેર” મહોત્સવને ન ભૂતો ન ભવિષ્યતિ બનાવવા આહવાન કર્યું હતું. અને આ મહોત્સવને દીપાવવા વધુમાં વધુ રામભક્તોને જોડવા આહવાન કરવામાં આવ્યું હતું.