વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એક મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સના ભાગરૂપે યોજાયેલી આ દ્વિતીય નાગરિક સંરક્ષણ એક્સર્સાઇઝનો મુખ્ય હેતુ ડ્રોન હુમલા જેવા સંભવિત ખતરા સામે સેવાઓની સક્રિયતા અને તત્પરતા ચકાસવાનો હતો. આ મોકડ્રીલ દરમિયાન, વેરાવળ કોસ્ટ ગાર્ડ પર ડ્રોન દ્વારા એટેક થયો હોવાની જાણકારી મળી હતી. આ જાણકારી તાત્કાલિક વેરાવળ કોસ્ટ ગાર્ડ અધિકારી દ્વારા ગીર સોમનાથ ડિઝાસ્ટર કંટ્રોલને આપવામાં આવી હતી. ત્યારબાદ આરોગ્ય, ફાયર સહિતના સંબંધિત વિભાગોને તુરંત જાણ કરાતા, વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે ઇમર્જન્સી ટીમ, વેરાવળ સિટી પોલીસ, ફાયર વિભાગ અને મેડિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમો દ્વારા કોસ્ટ ગાર્ડ ખાતે ઇજાગ્રસ્ત લોકોનું ઘટના સ્થળ ખાતેથી ઝડપથી રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આ મોકડ્રીલ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા અને જુદા જુદા વિભાગો વચ્ચેના સંકલનને ચકાસવામાં આવ્યું હતું.