આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લાનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઇકાલે સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા ‘શ્રીરામ પધાર્યા મારે ઘેર’ પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ ‘રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુએ કરાવ્યો હતો. આ પ્રસંગે ઇન્દ્રભારતીબાપુએ કહ્યું કે, 22મી જાન્યુઆરી સુધી રાજકોટના લોકોએ જે રીતે 5 દિવસનો દીપાવલીનો ઉત્સવ મનાવે છે, ઘરઆંગણે રંગોળી કરે છે, દીવડાં પ્રગટાવે, તોરણ લગાવે, રોશની કરે છે એવી જ રીતે રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પણ મનાવવાનો છે. આ સાથે ઇન્દ્રભારતીબાપુએ રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ કરનાર લોકોની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.