તાજેતરમાં થયેલા હુમલાની ઘટનાઓને પગલે રેલવે વિભાગ સક્રિય બન્યો છે. તેના ભાગરૂપે રાજકોટ રેલવે જંકશન ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગવર્મેન્ટ રેલવે પોલીસ દ્વારા સ્ટેશન પર આવતા દરેક માલસામાનનું ઝીણવટપૂર્વક જીઆરપી દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, દરેક મુસાફર અને તમામ ટ્રેનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મુસાફરોની અવરજવર રાજકોટ રેલવે સ્ટેશન પર રહેતી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જીઆરપી અને રેલવે પ્રોટેક્શન ફોર્સના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમગ્ર ચેકિંગ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોને સહકાર આપવા અને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.