રાજકોટ શહેરમાં બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળતું હતું. માત્ર છુટાછવાયા ઝાપટાઓ જ પડતા હોવાથી ભારે ગરમીનો માહોલ હતો. જો કે, લાંબા વિરામ બાદ આજે બપોરનાં સમયે શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, કુવાડવા રોડ તેમજ જામનગર રોડ ઉપરાંત કોઠારીયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પવનનાં સુસવાટા સાથે વરસેલા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક ફરી વળતા ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રાહત અનુભવી હતી. માત્ર એકાદ કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.