શહેરની ભાગોળે આવેલ આજી ડેમમાં ગઇકાલે સાંજે ન્હાવા પડેલી નેપાળી પરિવારની બે તરૂણીના પાણીમાં ડુબી જતા કમકમાટીભર્યા મોત નિપજતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો. આ બંને નેપાળી તરૂણી અન્ય તેના બે ભાઇ બહેનો સાથે આજી ડેમમાં ન્હાવા ગઇ ત્યારે ગોઝારી ઘટના ઘટી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ રોડ પરના સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રહેતા અને ત્યાં જ આવેલા કારખાનામાં કામ કરી પેટીયું રળતા નેપાળી પરિવારની બે તરૂણી અને બાજુમાં રહેતા ચારેક બાળકો ગઇકાલે સાંજે આજી ડેમમાં ન્હાવા ગયા હતા. ત્યારે બે બાળકીનું તણાઇ જતા ઘટના દરમ્યાન સ્થળ પર હાજર વ્યકિતએ તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરતા બેડીપરા ફાયર બ્રિગેડના તરવૈયાઓ સ્થળ પર દોડી ગયા હતા. તેમણે પાણીમાં શોધખોળ કરી બંને તરૂણીને બહાર કાઢી હતી. પરંતુ તે પહેલા જ બંને તરૂણી દિરા પઢીદાર અને મમતા પઢીદારના મૃત્યુ નિપજયા હતા. તેમજ બનાવની જાણ થતા આજી ડેમ પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી તત્કાલ મૃતક તરૂણીઓના વાલીઓને જાણ કરતા તેઓ આઘાતમાં સરી પડયા હતા.