રાજકોટ શહેરમાં ટ્રાફીકનો પ્રશ્ન જટીલ સમસ્યા બની ઉભરી આવ્યો છે. ત્યારે યાજ્ઞીક રોડ પરના ટ્રાફીકનું ભારણ ઘટાડવા થોડા વર્ષો પહેલા ધર્મેન્દ્રસિંહ કોલેજ કેમ્પસની કપાત કરી નવો દસ્તુર માર્ગ બનાવવામાં આવતા વાહન ચાલકોની સુગમતા વધી હતી. પરંતુ થોડા મહિનાઓ બાદ જ ડી.એચ.કોલેજની દિવાલે યાજ્ઞીક રોડથી હેમુ ગઢવી હોલ તરફ જતા રસ્તા પર લાઇનબંધ ફુડ ટ્રકો ગોઠવાવા લાગ્યા હતા. સાંજથી મોડી રાત સુધી અહિંયા ખાણીપીણીના રસીયાઓ ઉમટવા લાગતા ફરી ટ્રાફીકની સમસ્યા સર્જાવા લાગી છે. આ અંગે મ્યુનિસીપલ કોર્પોરેશનમાં આસપાસના લતવાસીઓએ અનેક ફરીયાદો કરવા છતા કોઇ ઉકેલ નહિ આવતા આ પ્રશ્ન કલેકટર સમક્ષ પહોંચતા તેની ચર્ચા સંકલન બેઠકમાં કરવામાં આવી હતી. આ દરિમયાન આ ફુડ ઝોન ગેરકાયદે હોવાનું તારણ નિકળતા તુરંત કાર્યવાહીના નિર્દેશો આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા બજાર બંધ કરાવવા આદેશો અપાયાનું જાણવા મળે છે. આ ઉપરાંત લાખાજીરાજ રોડ પર ફુટપાથ ઉપર ભરાવા લાગેલી ગેરકાયદે પાથરણા માર્કેટ અહિંના વેપારીઓ માટે સમસ્યા બની હોવાની પણ ફરીયાદો ચેમ્બર ઓફ કોમર્સે ઉઠાવી હતી. આ માર્કેટ સામે કાર્યવાહીના આદેશો અપાયા છે. શરૂઆતમાં માત્ર રવિવારે બજારો બંધ હોય ત્યારે અહીં પાથરણા બજાર ભરાતી હતી. જે ધીમે ધીમે કાયમી થવા લાગતા આ વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યા ઉદભવી હતી. વેપારીઓએ પણ પોતાના ધંધાને અસર થઇ રહયાની ફરીયાદો કરી છે ત્યારે હવે દબાણ હટાવ શાખા અહીયા પણ દબાણ હટાવવા ઝુંબેશ ચલાવશે તેમ જાણવા મળે છે.