રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આજે મળેલી જનરલ બોર્ડની મિટિંગમાં એક તરફ રાજકોટના પ્રશ્નોની ચર્ચા થતી હતી તો બીજી તરફ જાણે સંજયસિંહ રાણાને પ્રજાના પ્રશ્નોમાં રસ ન હોય એ રીતે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. એમાં પણ તેઓ ફેસબુક પર વ્યસ્ત જોવા મળ્યા હતા. જોકે તેમને આમ છતાં તેઓ તેમના વિસ્તારના રોડ-રસ્તા અને પાણીના પ્રશ્નો અંગે લોકોને જવાબ આપતા હોવાનો લૂલો બચાવ કર્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ ફેસબુકમાં ટાઈમપાસ કરતા જોવા મળ્યા હતા. જનરલ બોર્ડની મિટિંગમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કુલ 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે પૈકી પ્રથમ પ્રશ્ન અને તેના પેટાપ્રશ્નની ચર્ચા ચાલુ હતી. તે દરમિયાન સંજયસિંહ રાણા મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તેઓને જાણે પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ ન હોય એવું લાગી રહ્યું. કારણ કે તેઓ કોઈ ઇમર્જન્સી કોલ કે મેસેજ નહીં, પરંતુ ફેસબુક અને વ્હોટ્સએપમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે નિવેદન આપતાં જણાવ્યું હતું કે એક કલાક પ્રજાના પ્રશ્નો માટે જ હોવો જોઈએ.અને ચાલુ બોર્ડ મિટિંગમાં મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ આગામી સંકલન બેઠકમાં પણ દરેકને સૂચના આપવામાં આવશે કે એક કલાક મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું.તે પોતે પણ એક કલાક મોબાઈલનો ઉપયોગ કરતા નથી. માટે દરેકને સૂચના આપવામાં આવશે કે ચાલુ બોર્ડ મિટિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવો.