મ્યુનિસિપલ કોર્પોરેશનની દ્વિમાસિક સાધારણ સભા આજે મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને મળી હતી. પોણા બે મહિના બાદ વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થઇ રહી છે ત્યારે આજની સભામાં ફરી કુલ 32 પૈકી માત્ર એક પ્રશ્નની ચર્ચા થઇ હતી. કમિશ્નરે છેલ્લા એક વર્ષમાં રાજકોટના ત્રણે ઝોનમાં કરવામાં આવેલા પેવર અને રી-કાર્પેટ કામ તથા પેચવર્કના કામોનો ઝોન, વોર્ડ અને વિસ્તારવાઇઝ હિસાબ આપ્યો હતો. વિરોધ પક્ષ કોંગ્રેસ ચર્ચામાં ન જોડાતા અને એક કલાક સુધી માત્ર આ ડામર કામના ખર્ચના લેખાજોખા રજૂ થતા લાંબા સમય બાદ આ બોર્ડના માઇક અને સ્પીકર મોટા ભાગે શાંત રહ્યા હતા.તેમજ વિરોધ પક્ષે પણ છેલ્લા વર્ષમાં થયેલા ડામર કામ, ખાડા બુરવા પાછળના ખર્ચ, ડામરના કામની ગુણવત્તાના પ્રશ્ન પૂછયા હતા આથી કોંગ્રેસ ચર્ચામાં જોડાય તેવું લાગતું હતું. પરંતુ કમિશનરે વોર્ડ નં.5ના કોર્પોરેટર રસીલાબેન સાકરીયાના પ્રશ્નનો પૂરો એક કલાક જવાબ આપ્યો હતો અને સભામાં હાજર 70 પૈકી 67 કોર્પોરેટરોએ એક શબ્દ બોલ્યા વગર જાણે કોઇ પ્રેઝન્ટેશન ચાલતુ હોય તે રીતે શાંતિથી જવાબ સાંભળ્યા હતા.તે બાદ એજન્ડા પર રહેલી 13 અને અરજન્ટ આવેલી 7 મળી 20 પૈકી 19 દરખાસ્ત સર્વાનુમતે મંજૂર થઇ હતી. તો વાવડી કબ્રસ્તાનની જમીનમાં નીમ કરવા અંગે અભિપ્રાય આવી જતા આ પ્રસ્તાવ નામંજૂર કરવામાં આવ્યો હતો. ભાજપના મહિલા કોર્પોરેટરના પ્રથમ પ્રશ્નનો જવાબ આપતા પોતાના પ્રથમ બોર્ડમાં કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં શહેરમાં 39.42 કરોડના નવા ડામર અને રી-કાર્પેટના કામ કરવામાં આવ્યા છે તો 13.50 કરોડના પેચવર્કના કામ કરવામાં આવ્યા છે. આમ રસ્તા રીપેરીંગ અને ખાડા બુરવા પાછળ વર્ષમાં સાડા તેર કરોડનો ખર્ચ કરવામાં આવ્યાની માહિતી આપી હતી.તેમજ કમિશ્નરે સભામાં દરેક ઝોન ઉપરાંત વોર્ડ અને કયા કયા વિસ્તારમાં કેટલા ખર્ચે ડામર કામ થયા તેની વિગતો આપી હતી. કોર્પોરેટરના પ્રશ્નના જવાબમાં સીટી ઇજનેર એચ.એમ.કોટકે ડામરની ગુણવત્તાની ચકાસણી, ખોદકામ કરતી કંપની પાસે વસુલાતા ચાર્જ સહિતની પ્રક્રિયાની માહિતી આપી હતી.