રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગોને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, પરંતુ દીવાતળે અંધારું હોય એમ મનપાના ફાયર વિભાગની મુખ્ય કચેરી જ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે. આ બિલ્ડિંગમાં ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે. ગેલરીમાંથી પોપડાં પડતાં જવાનોના જીવ જોખમમાં મુકાયા છે તેમજ રૂમોમાં ભેજ લાગતાં બાંધકામ નબળું પડ્યું છે. આ કચેરીમાં ફાયર વિભાગના 100 જવાન કામ કરી રહ્યા છે, જે ખખડધજ બિલ્ડિંગને કારણે ભયના ઓથાર હેઠળ મુકાયા છે. ત્યારે યર વિભાગની આ મુખ્ય કચેરીનું નવીનીકરણ કરવા અનેક વખત ચર્ચાઓ થઈ છે, પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેથી આ અંગે ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાનું મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડ પર આવેલું છે. જે જર્જરિત હાલતમાં હોવાથી તેના રિનોવેશન અંગે આ બજેટમાં દરખાસ્ત મૂકી હતી, જેની મંજૂરી પણ મળી છે અને ટૂંક સમયમાં આ કચેરીનું નવીનીકરણ શરૂ થશે. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવું બિલ્ડિંગ બનાવવા ટેન્ડરપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમજ હાલ બિલ્ડિંગનો જે ભાગ જર્જરિત છે ત્યાંના સ્ટાફને સલામત સ્થળે ખસેડવા ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ થશે. મનપાના સિટી ઇજનેર વિભાગ દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.