રાજકોટ બંગાળી એસોસિએશન દ્વારા શહેરમાં વસવાટ કરતા બંગાળી પરિવારો માટે દર વર્ષે દુર્ગાપૂજા મહોત્સવ યોજવામાં આવે છે. સતત 51માં વર્ષે પણ રેસકોર્સ ખાતે આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં આજે મહાઅષ્ટમીના દિવસે બંગાળી પરિવારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને પોતાની પરંપરા મુજબ બંગાળી પહેરવેશમાં સજ્જ થઈ મહિલાઓએ માતા દુર્ગાની વિધિવત પૂજા કરી હતી. 24 ઓક્ટોબર સુધી ચાલનારા આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દુર્ગાપૂજાનાં મહોત્સવમાં આઠમનું ખાસ મહત્વ હોય છે. જેને લઈને આજે સવારથી રાજકોટમાં વસવાટ કરતા બંગાળી પરિવારો મોટી સંખ્યામાં બંગાળી પહેરવેશમાં સજ્જ થઈને માતા દુર્ગાની પૂજા કરવા પહોંચ્યા હતા. ગુજરાતમાં બલી આપવા ઉપર પ્રતિબંધ હોવાથી “કદુ” નામના શાકની બલી આપવાની પ્રથા છે. આ પૂજા બાદ ભાવિકોમાં વિવિધ ફળ તેમજ મીઠાઈ સહિતનાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંગાળી પહેરવેશમાં સજ્જ મહિલાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.