રાજકોટ શહેર ખાતે આવેલી વર્ષો જૂની ભારત બેકરી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ગત ઓગસ્ટ મહિનામાં મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા જુદી-જુદી ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા બ્રેડ ખાદ્યચીજ વસ્તુઓના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી ટોસ્ટનો નમુનો પરીક્ષણમાં ફેઇલ થયો હોવાનું સામે આવ્યું છે. ટોસ્ટના નમુનામાં સ્વીટનેસ ઉમેરવા માટે સેકરીનનો ઉપયોગ થતો હોવાનું તેમજ સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. સેકરીન અને સિન્થેટિક કલરના મિશ્રણ યુક્ત જેને ખાવાથી આંતરડા ચામડી તેમજ પેટને લગતા રોગ થઈ શકે તેમ છે. તેમજ વધુ પડતો આ પ્રકારનો ખોરાક ખાવાથી આંતરડા તેમજ મૂત્રાશયનું કેન્સર પણ થઈ શકે તેમ છે. હાલ લેબોરેટરીમાંથી ટોસ્ટનો રિપોર્ટ આવી ચૂક્યો છે પરંતુ કેક તેમજ બ્રાઉન બ્રેડના રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે હાલ ટોસ્ટ મામલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અધિક કલેક્ટરની કોર્ટમાં એજ્યુડીકેશનની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં 159 જેટલા જુદી જુદી ખાદ્ય ચીજોના નમુના જુદા જુદા વિક્રેતાઓને ત્યાંથી લેવામાં આવ્યા છે. ત્યારે 159 પૈકી સાત નમૂનાઓ ફેઈલ થયા છે જ્યારે કે 65 નમૂનાઓ પાસ થયા છે જ્યારે કે 87 નમૂનાઓનો રિપોર્ટ આવવાનો બાકી છે.