રાજકોટના જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડિંગ પાછળ આવેલા શિવસાગર પાર્કમાં ગત બુધવારે એક મહિલાની તેના જ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી. યુનિવર્સિટી પોલીસે ખૂનનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે, જે મહિલાની હત્યા થઈ છે તેના કૌટુંબિક ભત્રીજાએ જ આ કારસ્તાન કર્યું છે. પ્રેમિકાને ફરવા લઈ જવા માટે પૈસા ન હોવાથી બનાવના દિવસે લૂંટના ઈરાદે તે તેના કૌટુંબિક કાકીના મકાનમાં ઘૂસ્યો હતો. જો કે તેના કાકી જાગી જતા કાતરથી તેની હત્યા કરી રોકડ રકમ અને એક સોનાનો ચેઈન મળી કુલ 60,000ની મતાની લૂંટ કરી હતી. આરોપી શખ્સ તેની પ્રેમિકાને લઈને વડોદરા સુધી પહોંચી ગયો હતો જો કે ત્યાં તે પોલીસના સકંજામાં આબાદ સપડાઈ ગયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે પ્રમ જેઠવા તેની પ્રેમિકાના કહેવાથી બહારગામ ફરવા જવા માંગતો હતો પરંતુ તેની પાસે પૈસા ન હતા જો કે પ્રેમિકાએ પૈસાનો બંદોબસ્ત કરવાનું કહેતા પ્રેમ જેઠવાએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.