રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ રાજ્યનું પ્રથમ “દીકરી ગામ’ તરીકે જાહેર થયું છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના હસ્તે “દીકરી ગામ’ની તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામમાં સંપૂર્ણ આગવી કહી શકાય એવી “સમરસ બાલિકા પંચાયત’ની રચના કરવામાં આવી હતી. ત્યારે આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પ્રથમ એવા “દીકરી ગામ” પાયલોટ પ્રોજેક્ટનો પાટીદડ ગામથી પ્રારંભ થઈ રહ્યો છે, તે આનંદની વાત છે. આ પહેલ સમગ્ર રાજ્યના લોકો માટે પ્રોત્સાહનરૂપ બનશે. તેમજ આ પ્રસંગે સમરસ બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ આઠ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નવજાત બાળકી તથા માતાઓનું વિશેષ સન્માન કરાયું હતું. તેમજ વ્હાલી દીકરી મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બેટી બચાવો, બેટી પઢાઓના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ સાથે આ કાર્યક્રમમાં ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારા, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદ બા ખાચર, ગામના સરપંચ મુકેશભાઈ વિરડિયા, ગોંડલ તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાવડા, દહેજ પ્રતિબંધક અધિકારી સીમાબેન શિંગાળા, ગોંડલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ, ગામના ઉપસરપંચ કોકિલાબેન ખાચર, તેમજ સખી મંડળની બહેનો, મહિલાઓ, બાલિકાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.