ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટમાં જામનગર હાઇવે પર પરાપીપળિયા ગામ ખાતે 1200 કરોડથી વધુના ખર્ચે આકાર લઈ રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ IPD સેવા પણ આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. આ માટે 25 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવી 250 બેડની તૈયાર IPDનું લોકાર્પણ કરી રાજકોટ AIIMSના IPD વિભાગને ખુલ્લું મૂકશે. આ સાથે દેશભરમાં કાર્યરત 23 AIIMS પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એઇમ્સને કન્ટેનર હોસ્પિટલ પ્રયોગ માટે મંજૂરી આપવામાં આવી છે અને આ માટે જગ્યા પણ નક્કી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, IPD સેવા શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્રભરના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહેશે અને તેમાં 15 જેટલી સ્પેશિયાલિસ્ટ સારવારનો પણ સમાવેશ કરવામાં આવશે. જ્યારે આ પછી નજીકના સમયમાં તબક્કાવાર મલ્ટિસ્પેશિયાલિટી સારવાર સહિત કુલ 23 જેટલી સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે.