અરવિંદ મણીયાર આવાસ યોજનાનાં ક્વાર્ટર જર્જરિત હોવાનો રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ મનપા દ્વારા આવાસ રી ડેવલોપમેન્ટ માટે બિલ્ડરને PPP ધોરણે આપ્યા છે. જેમાં છેલ્લા છ વર્ષથી કેટલાક લોકો આવાસ ખાલી ન કરતા વિવાદ થયો હતો. આ માટે જ ગઈકાલે મનપાનાં અધિકારીઓ દ્વારા લોકોને સમજાવટ કરવામાં આવી હતી ત્યાર બાદ આજરોજ મનપા તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બાકી રહેલા 39 મકાન ખાલી કરાવવા માટે વિજિલન્સ પોલીસ સહિત મનપાનો 500 કરતા વધુનો સ્ટાફ હાજર રહ્યો હતો. જે કોઈ મકાન ખાલી કરતા નહોતા તેમના તાળા તોડીને સામાન ફેરવવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે વાતચીત કરતાં મહિલાએ આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે, તંત્રએ ફરજિયાત મકાન ખાલી કરાવતા હું અત્યારે ભાડાના મકાનમાં ગઈ છું, પરંતુ તંત્ર દ્વારા માત્ર રૂ.5 હજાર ભાડું અપાય છે. જેની સામે મારે રૂ. 8 હજાર ભાડું ભરવું પડી રહ્યું છે, તો તે ભાડું કોણ ચૂકવશે? આ સાથે જણાવ્યું હતું કે અમારી દસ્તાવેજવાળી જગ્યા તંત્ર કેમ લઇ શકે છે? ચાર માળના બદલે આંઠ માળનાં મકાન કરે તો પણ બિલ્ડરને ફાયદો થાય તેમ છે. છતાં 13 માળના મકાન શા માટે? અમને શું ફાયદો છે? આટલું બોલતા તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. વધુમાં કહ્યું હતું કે, અમારે લાઈફટાઈમ મેન્ટેનન્સ જોઈએ છે, કારણ અમારી પાસે મેન્ટેનન્સ ભરવાના રૂપિયા નથી.