રાજયના શિક્ષણ વિભાગ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નિષ્ફળતાનો આજે કોંગ્રેસ દ્વારા સૌ.યુનિવર્સિટી ખાતે સતાધીશોનું બેસણું યોજી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ અંગે યુવક કોંગ્રેસના પ્રવકતા રોહિતસિહ રાજપૂતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બની ગયેલ છે. જેમાં વિવાદો ભ્રષ્ટાચાર, કૌભાંડો અટકવાનું નામ લેતા નથી. ભૂતકાળમાં વહીવટી બાબતોમાં થયેલી ભૂલોમાંથી શીખ લેવાના બદલે સતાધીશો ટાંટીયા ખેંચમાં જ સતત મશગુલ બની નવા નવા વિવાદો વધારી શિક્ષણની સ્થિતિ કંગાળ બનાવી રહ્યા છે. કાર્યકારી કુલપતિ ખુરશીની સતાના અહમમાં જુથવાદી કિન્નાખોરીના દાવપેચ રમી રહ્યા છે. આ સાથે રોહિત રાજપૂતે જણાવ્યું હતું યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક ખર્ચ માટે 1 રૂપિયો પણ ગ્રાન્ટ માટે નહીં હોવાથી જુની રીતીરીવાજોમાં સગા સબંધીઓની જેમ બેસણામાં ઘરવખરી અને અનાજ તેઓના પરિવાર માટે લઈ જઈને તેને મદદ કરતા તેમ આજે કાર્યકરો આ બેસણામાં કેમ્પસના ભવનો માટે સ્ટેશનરી સહિતની વસ્તુઓ લઈને પહોંચ્યા હતા અને યુનિ.નું શૈક્ષણિક સ્તર ઉંચુ લાવવા માટે માંગણી કરી હતી. તેમજ યુવક કોંગ્રેસના પ્રવકતા રોહિત રાજપૂતે આ યુનિ.માં તત્કાલ કાયમી કુલપતિની નિમણુંક કરવામાં આવે, કરારી અધ્યાપકોની તત્કાલ ભરતી કરવા નોન ટીંચીંગ સ્ટાફની 150થી વધુ ખાલી જગ્યાઓ તત્કાલ ભરવા યુનિ.ના શૈક્ષણિક ખર્ચ માટે તત્કાલ ગ્રાન્ટ ફાળવવા સહિતની માંગણી તેઓએ કરી હતી.