ગુજરાતમાં રખડતા ઢોર મુદ્દે કાગળ પર કાર્યવાહી થતી હોય તેમ વારંવાર રખડતા ઢોરની હડફેટે લોકોના મોતની ઘટનાઓ હજુ પણ સામે આવી રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જામનગરના જોડિયા ખાતે ગોપાલભાઈ દવે નામના 71 વર્ષીય વૃદ્ધ શાકભાજી લેવા જતા હતા ત્યારે આખલાએ ઢીંક મારતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. સિટિ ન્યૂઝને ઘટનાની હકીકત જણાવતા મૃતકનાં પત્ની રડી પડતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ જામનગરના જોડિયામાં રહે છે. બે દિવસ પહેલા જ તેમના 71 વર્ષીય પતિ ગોપાલભાઇ દવે સવારે 10 વાગ્યે શાકભાજી લેવા માટે નીકળ્યા હતા ત્યારે આખલાએ ઢીંક મારતા વૃધ્ધ રોડ પર ફંગોળાઈ પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થવાથી પ્રથમ જોડીયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતાં ચાલુ સા૨વારે દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાકે જોડીયા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.