રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના શાસકોએ મહિલા સશક્તી કરણની દિશામાં ઐતિહાસિક કદમ ઉઠાવ્યું હોય તેમ કારોબારી સિવાયની તમામ સમિતિઓમાં ચેરમેન પદ મહિલાઓને સોંપ્યું હતું. હવે માત્ર ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તથા દંડક સિવાયના તમામ પદ મહિલાઓના હવાલે કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે યોજાઇ હતી જેના એજન્ડામાં વિવિધ સમિતિઓની રચના કરવાની દરખાસ્તનો સમાવેશ થતો હતો. કારોબારીના ચેરમેન અગાઉ જ નક્કી થઇ ગયા હોવાથી બાકીના સભ્યો તથા અન્ય સાત સમિતિઓના ચેરમેન અને સભ્યોની વરણી જાહેર કરવામાં આવી હતી. તેમજ કારોબારી ચેરમેનપદે પી.જી. કિયાડાનું નામ અગાઉ જ જાહેર કરી દેવામાં આવ્યું હતું જ્યારે બાકીની સાત સમિતિની રચના અને તેના ચેરમેન આજે જાહેર કરવામાં આવ્યા હતા. આજે જાહેર થયેલી તમામ સાત સમિતિની ચેરમેનપદ મહિલા સભ્યોને સોંપવામાં આવ્યા હતાં. શિક્ષણ સમિતિમાં અલ્પાબેન તોગડીયા, આરોગ્ય સમિતિમાં લીલાબેન ઠુમ્મર, અપીલ સમિતિમાં પ્રવિણાબેન રંગાણી, મહિલા અને બાળ વિકાસ સમિતિમાં કંચનબેન બગડા, સિંચાઇ અને સમિતિમાં ભાવનાબેન બાંભરોલીયા, બાંધકામ સમિતિમાં દક્ષાબેન રાદડીયા, સામાજીક ન્યાય સમિતિમાં ભાનુબેન બાબરીયા, ચેરમેનપદે જાહેર થયા હતાં. આ સાથે કારોબારી સમિતિમાં નવ સામાજીક સમિતિમાં ચાર, બાંધકામ સમિતિમાં પાંચ, સિંચાઇ સમિતિમાં પાંચ, શિક્ષણ સમિતિમાં સાત, આરોગ્ય સમિતિમાં ચાર, અપીલ સમિતિમાં પાંચ અને મહિલા અને બાળ વિકાસ સમિતિમાં પાંચ સભ્યોને લેવામાં આવ્યા હતાં. સમિતિઓની રચના જાહેર થયા બાદ તમામ સભ્યોએ નવ નિયુક્તિ ચેરમેનો તથા સભ્યોને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતાં. સમિતિઓના ચેરમેનોની નિયુક્તી માટે જો કે આવતા દિવસોમાં વિભાગ વાઇઝ બેઠક થશે પરંતુ ભાજપ દ્વારા અત્યારથી જ ચેરમેનના નામો નક્કી કરીને જાહેર કરી દીધા છે. એટલે હવે પછી ચેરમેનની ચૂંટણી ઔપચારિક જ બની રહેવાની સંભાવના છે.