જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં પાણી વાળતી વખતે અકસ્માતે કુવામાં પડી જતા મધ્યપ્રદેશની યુવતીનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની 20 વર્ષની યુવતી કરમા જેમલભાઇ વાસકડીયા આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી. ત્યારે કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ જેથી કૂવામાં તપાસ કરવા જતાં યુવતી કુવામાં પડી ગઇ હતી. કૂવામાં પડવાનો અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો મચાવતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા. દરમિયાન કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી. ત્યાર બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવતીનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઇકબાલભાઇ તથા રાઇટર જયશ્રીબેને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.