રાજકોટમાં ધીમીધાર વરસાદ બાદ રોડમાં ખાડાના દ્રશ્ય અલગ અલગ વિસ્તારમાં દેખાઈ રહ્યા છે. એમાં પણ વોર્ડ નંબર 18માં આવેલા કોઠારીયા વિસ્તારના લોકો રોડની સમસ્યાથી હેરાન પરેશાન છે. સ્થાનિકો નો આક્ષેપ છે કે 8-8 વર્ષથી મનપામાં આ વિસ્તાર ભળ્યો હોવા છતાં રસ્તાઓ બન્યા નથી. આ વિસ્તારમાં ચોમાસામાં વધુ વિકટ પરિસ્થિતિ થાય છે. થોડા એવા વરસાદમાં અહીંયાથી વાહન ચલાવવું મુશ્કેલ બને છે અને અનેક લોકોને કમરના દુખાવા થાય છે જયારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. લોકોના વાહનોને પણ નુકસાન થાય છે. ત્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તામાં ખાડા પાડવાના મુદ્દે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન આપતા જણાવ્યું કે કોઠારીયા વિસ્તાર 19 કિલોમીટરમાં ફેલાયેલો છે, એટલે કે એક નાના શહેર જેટલો મોટો વિસ્તાર છે. છેલ્લા 7.5 વર્ષથી મનપામાં ભળ્યો છે. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સિમેન્ટ રોડ માટે જે યોજના ચાલતી હતી એ હજુ પણ સકારાત્મક છે જો જનભાગીદારી શક્ય થાય તો સિમેન્ટ રોડ બની શકે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા ની સકારાત્મક વિચારણા ચાલુ છે.