રાજકોટ ક્રાઇમ બ્રાંચ ગોંડલ રોડ પરથી 5 ટ્રક નશીલા સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં રાજકોટ ભાજપના આગેવાન બંધુ સહિતનાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે નશીલા સીરપ વેચાણના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરતા તેનું પગેરું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું. જેના પગલે રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પહોંચી તપાસ કરતા નશાયુક્ત સીરપ બનાવતી આખી ફેક્ટરી મળી આવી હતી. જેમાં અંદાજે 1.50 કરોડનો જથ્થો મળી આવતા પોલીસે મહારાષ્ટ્રના નંદુરબાર સ્થિત આ ફેક્ટરી સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ત્યારે રાજકોટ DCP ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગત તારીખ 3જી જુલાઈ 2023ના રોજ 73 હજારથી વધુ બોટલોમાં નશાયુક્ત સીરપનો જથ્થો અલગ અલગ 5 ટ્રકમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં મોકલવાનો હતો. જોકે એ પહેલાં ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આ બાદ FSL રિપોર્ટમાં આ જથ્થો નશાયુક્ત હોવાનું સામે આવતા ફરિયાદ નોંધી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ જથ્થો વડોદરાનો શખ્સ મહારાષ્ટ્રના નંદુરબાર સ્થિત રહેતા શખ્સ સાથે મળી બનાવી વેચાણ કરતો હોવાનું સામે આવતા રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસ અર્થે મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી.