રાજકોટમાં જયા-પાર્વતીના વ્રત નિમિત્તે બાળકીઓ અને યુવતીઓ તેમજ મહિલાઓ આખી રાત જાગરણ કરીને આ તહેવારની ઉજવણી કરતી હોય છે. તે દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉજવણીના રંગમાં ભંગ ન પડે તે માટે પોલીસે અગાઉથી જ તૈયારી કરી લીધી હોય તેવી રીતે તમામ સ્ટાફ હરવા-ફરવાના સ્થળ ઉપર બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો. ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બંદોબસ્તનો મોરચો સંભાળી લઈ પોલીસના ચેકિંગ ઉપર નજર રાખી હતી. તેમજ રાત્રે આઠ વાગ્યાથી જ અલગ-અલગ પોલીસ મથકના પીઆઈ તેમજ સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની બ્રાન્ચો બંદોબસ્તમાં જોતરાઈ ગઈ હતી. જાગરણ નિમિત્તે સૌથી વધુ ટ્રાફિક રેસકોર્સ રિંગરોડ ઉપર જોવા મળતો હોવાને કારણે પોલીસે વધુ સંખ્યામાં અહીં બંદોબસ્ત ગોઠવ્યો હતો. બંદોબસ્ત દરમિયાન જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ કિસાનપરા ચોક ખાતે આવી પહોંચ્યા હતા અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અધિકારીઓએ પણ આખી રાત વાહન ચેકિંગ તેમજ બંદોબસ્ત જાળવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત ઉપરાંત સઘન વાહન ચેકિંગને કારણે તહેવારની શાંતિપૂર્વક ઉજવણી થઈ હતી સાથે સાથે કારણ વગર ઉજાગરા કરીને બહાર ફરવા નીકળેલી યુવતીઓને પજવનારા રોમિયાઓની ખો ભૂલાવી દેવામાં આવી હતી. આ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા ચેકિંગમાં નંબરપ્લેટ વગરના અનેક સ્કૂટરો પકડાતા તેને તાત્કાલિક ડિટેઈન કરાયા હતા તો ખોટી રીતે બહાર રખડવા નીકળેલા તત્વો જોવા મળતાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ જાગરણનું પર્વ હોવાને કારણે રાજકોટમાં રાત પડી’ને દિવસ ઉગ્યા જેવો માહોલ જામ્યો હતો અને હોટેલ-રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની દુકાનો ઉપર હકડેઠઠ મેદની જામી હતી. આ ઉપરાંત થિયેટરો દ્વારા પણ મીડનાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તમામ હાઉસફૂલ થઈ ગયા હતા. આવી જ રીતે શહેરની વચ્ચોવચ્ચ આવેલા ફનવર્લ્ડમાં પણ આખી રાત લોકોએ હલ્લાગુલ્લા કરીને તહેવારને માણ્યો હતો.