રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં તા.20 જૂલાઈએ મેડિકલ કોલેજમાં કોમ્યુનિટી મેડીસીનનું લેક્ચર ચાલી રહ્યું હતું. આ દરમિયાન મહિલા પ્રોફેસર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા ત્યારે પાછળની બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને આગળ આવીને બેસવા માટે પ્રોફેસર દ્વારા કહેવામાં આવ્યું હતું. જો કે આ આદેશને અવગણીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ત્યાં જ બેઠા રહ્યા હતા ઉલટાનું તેમણે મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરતાં મામલો ગરમાયો હતો. આ પછી મહિલા પ્રોફેસર દ્વારા મેડિકલ કોલેજના ડીન ડૉ.મુકેશ સામાણીને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે ડીન દ્વારા ટીખળ કરનારા વિદ્યાર્થીઓની સાથે જ 200 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આ અંગે ડીન ડૉ.મુકેશ સામાણી દ્વારા જણાવાયું કે ચોક્કસ રીતે કયા વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીએ અભદ્ર ટીપ્પણી કરી છે તેનો ખુલાસો થઈ શક્યો નથી પરંતુ આ પ્રકારની ટીપ્પણી સાંખી લેવાય તેવી ન હોવાથી આખા ક્લાસ સામે પગલાં ભરવા જરૂરી બની જાય છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બીજી વખત બને નહીં. એકંદરે 200 જેટલા વિદ્યાર્થીને મેડિસીન કોમ્યુનિટી વિષયના લેક્ચરમાં 15 દિવસ સુધી બેસવા દેવામાં આવશે નહીં અને જો બીજી વખત આ પ્રકારની હરકત કરવામાં આવશે તો આકરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનો નિર્દેશ પણ ડીન દ્વારા આપવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે સાગમટે 200 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતાં જે વિદ્યાર્થીનો આ પ્રકારની ટીપ્પણી કરવામાં રોલ ન્હોતો તેમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે આ અંગે ડીનનું કહેવું છે કે કદાચ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તો પણ તેઓ પોતાની ભૂલ સ્વીકારશે નહીં એટલા માટે બીજી વખત આવી ભૂલ થાય જ તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ વિદ્યાર્થીઓને પ્રવેશ હોસ્ટેલમાં પ્રવેશતા રોકવામાં આવશે નહીં પરંતુ જો બીજી વખત આ પ્રકારની ઘટના બનશે તો હોસ્ટેલમાંથી બહાર કાઢવા સહિતના પગલાં પણ લેવાઈ શકે છે.