રાજકોટ શહેરમાં બેફામ સ્પીડથી દોડતી કારચાલકો દ્વારા અકસ્માતો સર્જવામાં આવી રહ્યા છે. સોમવારે થયેલાં બે અકસ્માત બાદ આજે વહેલી સવારે શહેરનાં કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ વચ્ચે યુનિવર્સિટી રોડ પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સોમવાર બાદ આજે ફરી અકસ્માતનાં દ્રશ્યો નજરે નિહાળનારા લોકોને ફરી તથ્યકાંડની યાદ આવી ગઇ હતી. બેફામ ઝડપે નીકળેલી કારની ઠોકરે એક્ટિવા ચડી જતાં તેના ચાલક ઊલળીને નીચે રસ્તા પર પટકાયા હતાં. આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલે ખસેડાયા હતાં. કારચાલક અને સાથેનાં શખ્સને લોકોએ પકડી પાડી પોલીસને સોંપવામાં આવ્યા હતાં. તેમજ હાલ ગાંધીગ્રામ પોલીસે GJ.05.RF.6251 નંબરની કારના ચાલક વિરૂધ્ધ પારસભાઇની ફરિયાદ પરથી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. આ અકસ્માતમાં તેમને જમણા પગ અને ડાબા હાથમાં ઇજા થઇ હતી તેમજ ડાબા પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. કપાળનાં ભાગે ચાર ટાંકા આવ્યા હતાં અને ડાબી આંખ ઉપર પણ ઇજા થઇ હતી. આ સાથે લોકોએ જે બે શખ્સ કારમાંથી ઊતર્યા તેના નામ પૂછતાં તેણે પોતાના નામ કુંજ પરષોત્તમભાઇ પરસાણીયા તથા દર્શ અનિલભાઇ માકડીયા હોવાનું જણાવ્યુ હતું. જેમાં કુંજ કાર હંકારતો હોવાની વિગતો સામે આવી હતી.