રાજકોટ મનપાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પ્રથમ વખત પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના નેતાઓ દ્વારા પદાધિકારીઓ અને નગરસેવકોને સાંભળી અપેક્ષિતોને બોલાવી રીવ્યુ સાથે સેન્સ લેવામાં આવી હતી. રોટેશન મુજબ મેયર પદ પર મહિલા અનામત હોવાથી મહિલા મેયર બનશે એ વાત નક્કી હતી. રાજકોટના નવા મેયર તરીકે છેલ્લા 15 દિવસથી 6 નામો ચર્ચામાં હતા. જેમાં ડો. દર્શના પંડ્યા, જ્યોત્સના ટીલાળા, નયના પેઢડિયા, ભારતી પરસાણા, વર્ષા રાણપરા અને પ્રીતિ દોશીના નામનો સમાવેશ થયો હતો, પરંતુ હાલ તો રાજકોટમાં મેયર પદ માટે પાટીદાર મહિલા નયના પેઢડિયા પર મહોર લાગી છે. તેમજ 34માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે. તેમજ 34માં ડેપ્યુટી મેયર પદ પર નરેન્દ્રસિંહ જાડેજાને જાહેર કરવામાં આવ્યા છે. મેયર પદ માટે જ્યોત્સનાબેન ટીલાળાનું નામ છેલ્લે સુધી રેસમાં હતું, પરંતુ તેનું નામ કપાયું છે અને નયના પેઢડિયાને નવા મેયર જાહેર કર્યા છે. દંડક તરીકે મનીષ રાડિયા અને શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવની નિમણૂક કરવામાં આવી છે.