રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા સતત ચેકીંગ કરાઈ રહ્યું છે. આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સર્વેશ્વર ચોક, રાજકોટ ખાતે આવેલ ‘સની પાજી દા ઢાબા’ની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ 10 કિ.ગ્રા. વાસી પનીર અને 07 કિલો પ્રિપેડ ફૂડનો વાસી અખાધ્ય જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તથા પનીર (લુઝ)નો નમુનો લઈ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી છે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સર્વેશ્વર ચોક, રાજકોટ મુકામે આવેલ બલી’સ પંજાબી ઢાબામાં તપાસ કરતાં પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા માટેની નોટિસ આપવામાં આવી હતી. તથા પનીર (લુઝ)નો નમુનો લેવામાં આવ્યો હતો. આ સિવાય ઢોસા હબ અને મેહુલ’સ કિચનની ચકાસણી કરવામાં આવી હતી. બાદમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના બજરંગવાડી મેઇન રોડ તથા રેસકોર્ષ ફનવર્લ્ડનાં હોકર્સ ઝોનમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 35 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 27 નમુનાની સ્થળ પર જ ચકાસણી કરી 20 ધંધાર્થીઓને લાઇસન્સ સહિતની બાબતે સૂચના આપવામાં આવી હતી.