બે દિવસ પહેલા રાજકોટની લાખાજીરાજ મેડિકલ બોયઝ હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવાનો અહેવાલ સિટિ ન્યુઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં છતમાંથી પોપડા અને પાણી પડતા હોવાથી ભાવિ ડોક્ટરોનાં જીવ જોખમમાં મુકાયા અંગેની હકીકત દર્શાવતો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના ત્વરિત પડઘા પડ્યા છે અને ઘોરનિંદ્રામાં સુતેલુ તંત્ર સફાળું જાગી તાત્કાલિક અસરથી લાખાજીરાજ બોયઝ હોસ્ટેલમાં રીપેરીંગ કામગિરી શરૂ કરી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ ઇન્સ્પેકશન માટે પહોંચ્યા હતા. હાલ સિટિ ન્યૂઝના આ અહેવાલને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થી નેતાઓ બિરદાવી આભાર વ્યક્ત કરી રહ્યા છે. તેમજ આ અંગે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં હાલ એમ.બી.બી.એસ. પ્રથમ વર્ષના 100 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. છતાં આ હોસ્ટેલમાં 5 રૂમ ડેમેજ છે. 4 દિવસ પહેલા જ એક રૂમમાં છતમાંથી પોપડા પડ્યા હતા. જો કે, સદભાગ્યે તે સમયે તે રૂમમાં કોઈ નહીં હોવાને કારણે જાનહાની થઈ નહોતી. તેમજ લાખાજીરાજ હોસ્ટેલ એ સરકારના માર્ગ અને મકાન વિભાગ રાજકોટ શહેરના વિભાગમાં આવતી હોવાથી વડા અને એકઝેક્યુટીવ એન્જિનિયર એસ.એસ.જાનીને વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહીતસિંહ રાજપૂત, જીત સોની, હર્ષ આશર અને તેઓની ટીમ રૂબરૂ મળી આ ગંભીર બાબતે રજુઆત કરી હતી. જો કે, આ બાબતે કાર્યપાલ ઈજનેરએ જણાવ્યું હતું કે, હાલ અમારા ડેપ્યુટી એન્જિનિયર હોસ્ટેલ પર જ છે અને એક એક રૂમની વિઝિટ કરી સમગ્ર બાબતે રિપોર્ટ તૈયાર કરવા તત્કાલ સૂચના આપી દીધી છે. કાર્યપાલ ઈજનેરએ જણાવ્યું હતું કે, હું પણ હોસ્ટેલની રૂબરૂ મુલાકાત લઇ આ સમસ્યાનું તત્કાલ નિરાકરણ કરીશું.