ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી પૂરઝડપે વાહનો ચલાવી અકસ્માતની હારમાળા સર્જી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ એસ્ટ્રોનના નાલા પાસે શુક્રવારની રાતે બન્યો હતો. જેમાં જીજે.3એલઆર.8729 નંબરની કાર એસ્ટ્રોનના નાલા પાસેથી પૂરઝડપે નીકળી એક પછી એક એમ પાંચ ટુ વ્હિલને અડફેટે ચડાવી યાજ્ઞિક રોડ તરફ ભાગી હતી જેમાં ત્રણ ટુ વ્હિલચાલકને ઇજા થતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બાદમાં કેટલાક વાહનચાલકોએ પીછો કરી યાજ્ઞિક રોડ પરથી કારને આંતરી હતી.ત્યારે કારને આંતર્યા બાદ રોષે ભરાયેલા લોકોએ ચાલકને બહાર કાઢતા જ તે ચિક્કાર દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના બનાવને પગલે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર ચાલકને તેમજ કારને લઇ પોલીસ મથક લઇ જવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં નશાખોર ચાલક લખન બુધ્ધદેવ હોવાનું પોલીસસૂત્રે જણાવ્યું છે.