રાજકોટ સહિત રાજ્યભરમાં ધમધમતા સ્પામાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો ઊઠતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દેહ વ્યાપારની પ્રવૃત્તિ અટકાવવા આપેલ સુચનના આધારે શહેર પોલીસ રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-ર સુધિરકુમાર દેસાઇ તથા એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ દેહવ્યપારની પ્રવૃતિ પ્રત્યે ઝીરો ટોલેરેન્સ દાખવી ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃતિ રોકવા માટે શહેરમાં તા.18 થી 24 સુધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે ગઈકાલે શહેરમાં ચાલતા સ્પા તેમજ દેહ વ્યાપારની પ્રવૃતિ ચાલુ હોવાની શક્યતાવાળી જગ્યાએ શહેરના પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ડીસીબી, એસઓજી, એલસીબી ઝોન-1, એલસીબી ઝોન- 2, એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનિટની અલગ અલગ 17 ટીમો બનાવી એક સાથે ચેકીંગની કામગીરીનું આયોજન કરવામાં આવેલ હતું. જે દરમ્યાન રાજકોટ શહેરમાં કુલ 50 જગ્યાએ ચેકીંગ કરવામાં આવેલ દરમ્યાન સ્પામાં મસાજ થેરાપીસ્ટ તેમજ કામ પર રાખેલ અન્ય કર્મીઓની નોંધ જે તે પોલીસ સ્ટેશનમાં નહીં કરાવી જાહેરનામા ભંગ કરતાં કુલ 17 સ્પા સંચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.