ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર થતાની સાથે જ કોલેજોમાં એડમિશન માટે રાજકોટના બહુમાળી ભવનમાં જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે રાશનની દુકાનની માફક લાંબી કતારો જોવા મળી રહી છે. આકરા તાપમાં ઊભા રહી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ ગયા છે, ત્યારે અહીં એક પણ પ્રકારની ટોકન સિસ્ટમ નથી. હીટવેવ વચ્ચે બારી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ત્યારે કોઈ વિદ્યાર્થીનો વારો ન આવે અને બારી બંધ થઈ જાય તો બીજા દિવસે ધક્કો ખાવો પડે છે. આ સાથે અરજદારોને યોગ્ય જવાબ મળતો ન હોવાનો આક્ષેપ કરાયો છે. અહી વ્યવસ્થા નબળી હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.