મોરબી નગરપાલિકા દ્વારા શહેરની ૧૧૫ વાડી તથા સંલગ્ન સોસાયટીને પીવાનું પાણી પૂરું પાડવા માટે સુવર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પીવાના પાણીની અંદાજે ૯.૫૬ કરોડના ખર્ચે પાઇપલાઇન કામોનું ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૧.૫ કરોડના ખર્ચે ઇમરજન્સી રેસ્ક્યુ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં વીજળી, શાળાઓ, રસ્તા વગેરે સુવિધા ઉભી કરાઈ છે, અહીં હાલ ૨૨ શાળાઓ કાર્યરત છે. કોન્ટ્રાક્ટરને યોગ્ય સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની તાકીદ કરતા જણાવ્યું હતું કે, વાડી વિસ્તારના લોકો હેરાન ન થાય તે રીતે કાર્ય પૂર્ણ થવું જોઈએ. પ્રજાના પૈસા ૧૦૦ ટકા વિકાસકાર્યોમાં વાપરવાની નેમ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, તમામ વોર્ડમાં સફાઈ ઝુંબેશ, ગટરનું કામ તેમજ ચોમાસામાં પાણીનો નિકાલ થઈ જાય તે માટેની વ્યવસ્થા વગેરે કાર્યો કરવામાં આવનાર છે. આ તકે નવા ટાઉન પ્લાનિંગમાં શહેરીજનોને સહકાર આપવા તેમણે અપીલ કરી હતી.