કેન્દ્રની મોદી સરકારના નવ વર્ષ આજે પુરા થઈ રહ્યા છે જેથી દેશભરમાં આજથી શરૂ થયેલી ઉજવણીમાં હવે 1 માસ સુધી તા.30 જૂન સુધી ભાજપ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે જેના સંબંધમાં રાજકોટમાં ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે પક્ષના કાર્યક્રમો તથા વિવિધ સેલ દ્વારા અલગ અલગ સંપર્ક-સંમેલન તથા ઘર ઘર સંપર્કના આયોજનો થશે. તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં ભરતભાઈ બોઘરા ઉપરાંત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશ દોશી શહેર ભાજપના મહામંત્રી શ્રી જીતુ કોઠારી, શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર તથા શ્રી કીશોરભાઈ રાઠોડ અને સૌરાષ્ટ્ર-કચ્છ મીડીયા ઈન્ચાર્જ- પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવ હાજર હતા.