મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીના હોસ્ટેલ બિલ્ડિંગના દસમા માળે આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળતાં મોટી સંખ્યામાં ફર્નિચર બળીને ખાક થઈ જવા પામ્યું છે. જો કે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં મોટી દૂર્ઘટના સ્હેજમાં ટળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ફાયર કંટ્રોલરૂમ ઉપર બપોરે એક વાગ્યે ફોન આવ્યો હતો કે મારવાડી યુનિવર્સિટીના હોસ્ટેલ બિલ્ડિંગના દસમા માળે આગ લાગી છે. આ અંગેની જાણ થતાં જ રેલનગર ફાયરની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલે દોડી ગઈ હતી. અહીં પહોંચ્યા બાદ ધ્યાન પર આવ્યું હતું કે હોસ્ટેલ બિલ્ડિંગ ‘સી’માં દસમા માળે રૂમ નં.1015માં આગ લાગી છે જે પછી ફાયર ફાઈટરોએ ક્ષણભરનો વિલંબ કર્યા વગર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ લીધી હતી. તેમજ પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી છે. જો કે આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં ચાર નંગ બેડ, આઠ કબાટ, આઠ બુક સેલ્ફ તેમજ અન્ય ફર્નિચર મળી મોટાભાગનો સામના સળગી ગયો છે. જો કે સદ્નસીબે કોઈ પ્રકારની જાનહાની કે કોઈ વિદ્યાર્થીને ઈજા પહોંચી ન હોવાનું ફાયરબ્રિગેડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
મારવાડી યુનિવર્સિટીના હોસ્ટેલ બિલ્ડિંગમાં દસમા માળે આગ; સદ્નસીબે કોઈ જાનહાની નહીં…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -