ટંકારા ખાતે આગામી તા.10થી 12 સુધી આઝાદીના ઉદ્ઘોષક તેમજ સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200માં જન્મજયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેને હવે માત્ર ગણત્રીના કલાકો જ બાકી રહ્યા હોય આ મહોત્સવ અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મજયંતી નિમિતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર હોય મહર્ષિ દયાનંદ સરસ્વતીનો આ 200મો જન્મજયંતિ મહોત્સવ ઐતિહાસિક બની રહેશે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને લઇને આજે રાજકોટના સર્કીટ હાઉસ ખાતે આયોજકોએ પત્રકાર પરિષદ યોજીને તમામ માહિતી આપી હતી.