ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં ત્રણ થી ચાર શખ્સો જે કારમાં સવાર હતા તે કારને પૂરપા ઝડપે ચલાવી રોડ પર જતા માતા-પુત્રને પાછળથી અડફેટે લીધા હતા. કારના ચાલકે માતા-પુત્ર સાથે અકસ્માત સર્જી, ડિવાઇડર કુદાવી, વિજપોલ સાથે અથડાવી દિધી હતી. આ ઘટના બનતા નિલમબાગ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી નાસી છુટેલ ત્રણથી ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. પ્રાપ્ત મહિતી અનુસાર શહેરના કાળિયાબીડમાં આવેલ શક્તિ માં મંદિર નજીક આવકાર ફ્લેટ પાસે ટાટા ટીગોર કારમાં ત્રણથી ચાર શખ્સો સવાર હતા જે કારના ચાલકે લઇ સરદાર પટેલ સ્કુલથી ભગવતી સર્કલ તરફ જતા માતા-પુત્રની મોટર સાયકલને પાછળથી અડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી, કારને ડિવાઇડર કુદાવી, વિજપોલ સાથે અથડાવી દિધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારની આગળની એરબેગ ખુલી જવા પામી હતી. આ ઘટના બાદ માતા-પુત્રને ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર