બિપરજોય વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જેથી રાજકોટ આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે પણ વહીવટી તંત્ર તેમજ સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સૌરાષ્ટ્ર ખાસ કરી પોરબંદર, જામનગર, દ્વારકા, અને કચ્છ સહિત દરિયાઈ જિલ્લામાં પરિસ્થિતિ અંગે માહિતી મેળવી આરોગ્ય અંગે જરૂરી તમામ સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ સાથે જરૂર જણાયે લોકોને સલામત સ્થળ પર અગાઉથી સ્થળાંતર કરવા માટે ટકોર પણ મંત્રી દ્વારા વહીવટી તંત્રને કરવામાં આવી હતી. તેમજ આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વાવાઝોડા અંગે સંભવિત રૂટ દર્શાવવામાં આવ્યો હતો અને વાવાઝોડું કેટલી ઝડપે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેની માહિતી પુરી પાડી હતી. આ ઉપરાંત જિલ્લામાં તમામ હોસ્પિટલ અને આરોગ્ય અંગે શું સુવિધા અને શું તૈયારી તકેદારી ભાગરૂપે કરાઈ તેની પણ માહિતી આપવામાં આવી હતી. જો કે સ્થળાંતર અંગે કોઈ માહિતી ન આપતા મંત્રીએ ટકોર કરતા કહ્યું હતું કે, આપણે વાવાઝોડાને ગંભીરતાથી નથી લેતા ઓરિસ્સામાં લોકો વાવાઝોડાનો સામનો સમયાંતરે કરતા હોય છે અને તેઓ પ્રથમ સલામત સ્થળ પર સ્થળાંતરની વ્યવસ્થા કરતા હોય છે.આ સાથે આજ રોજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તમામ સરકારી અધિકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે વધુ પડતી અસર થાય તો તેને પહોંચી વડવા માટે ખાસ કોસ્ટગાર્ડ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. જરૂર પડ્યે તેને જે તે સ્થળે મોકલવામાં આવશે.