આગામી પહેલી જૂન અને બીજી જૂને રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાગેશ્વર ગામના પીઠાધીશ બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજવાનો છે. તેમજ રાજકોટ ઉપરાંત ગુજરાતના સુરત અમદાવાદ અને વડોદરા શહેરમાં પણ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો છે જોકે રાજ્યમાં બાબા બાગેશ્વર ધામ ના પીઠાધીશ આવે તે પહેલા જ રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. તેમજ કોંગ્રેસ દ્વારા બાબા બાગેશ્વર પર એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તે અંધશ્રદ્ધા ફેલાવે છે. ત્યારે આજે રાજકોટ આવેલા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા એ નિવેદન આપ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મની વાતો કરે છે કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. તેમજ તેઓએ કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના ભૂતકાળને યાદ કરતા એ કહ્યું હતું કે કોંગ્રેસ તો એવું પણ કહે છે કે ભગવાન શ્રીરામ પણ નથી. કોંગ્રેસે તો ભગવાન શ્રીરામને પણ કાલ્પનિક ગણાવ્યા હતા એમ કહી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા તો સાથે જ કોંગ્રેસ દ્વારા બાબા બાગેશ્વર પર એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે બાબા બાગેશ્વર ભાજપનું માર્કેટિંગ કરી રહ્યા છે. જોકે ભાજપનું કોઈ માર્કેટ ન કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.