ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત મટન માર્કેટ તથા કતલખાના આગામી પર્યુષણ અને સંવત્સરી પર્વ નિમિત્તે તા.12 થી 20મી સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે. જેથી તમામ વેપારીઓ અને સંબંધિતોએ માસ-મટનનો સંગ્રહ કે વેચાણ કરવાનો રહેશે નહીં.જો હુકમનો અનાદર થશે તો કાર્યવાહી કરાશે તેનું જાહરનામું પ્રસિદ્ધ કરાયા બાદ આજે સાંઢીયાવાડમાં ખુલ્લે આમ માસ-મટનનું વેચાણ થતું હોવાની જાણ થતા મહાપાલિકાનો કાફલો મ્યુ. કમિશનરની આગેવાનીમાં ઘટના સ્થળે ધસી ગયો હતો અને લારીઓ અને દુકાનોમાં થતું મટનનું વેચાણ બંધ કરાવ્યું હતુ. આ સમયે એક તબક્કે સ્થિતિ વણસે તેવું લાગતા અને મ્યુ. કમિશનરને ટોળાએ ઘેરી લેતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મટનનું વેચાણ બંધ કરાવાયું હતુ.શહેરના સાંઢીયાવાડ, અજય ટોકિઝની આસપાસના વિસ્તારથી લઇને બાર્ટન લાઇબ્રેરીથી જોગીવાડની ટાંકી વિસ્તારમાં માસ-મટનનું વેચાણ થવાની જાણકારી મળતા મ્યુ. એસ્ટેટ વિભાગનો કાફલો આ વિસ્તારમાં ધસી ગયો અને માસ, મટન અને ઇંડા વેચતી લારીઓને બંધ કરાવવા કાર્યવાહી શરૂ કરી તો થોડી તંગદિલી ફેલાઇ હતી અને મ્યુ. કમિશનર એન.વી. ઉપાધ્યાય આવી ગયા ત્યારે તેઓને ઘેરી લેવાનો પ્રયાસ પણ થયો પરંતુ તેઓએ મક્કમતા દાખવી માસ, મટન વેચતુ બંધ કરાવ્યું હતુ. મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઘટના સ્થળે આવી ગયા હતા અને પોલીસ પણ આવી જતા મામલો શાંત પડી ગયો હતો.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર