રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજું અને ત્રીજું નોરતું એમ બે દિવસ નવરાત્રિની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200 જેટલી બહેનોનું અદભુત શૌર્ય જોવા મળ્યું હતું. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. મહિલાઓએ તલવાર રાસ અને ખુલ્લી જીપ અને બાઈક પર સવાર થઈ તલવાર પકડીને રાસ કર્યો હતો. રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહના પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યો હતો. બાઈક તેમજ ખુલ્લી જીપ પર કરેલા તલવાર રાસને જોઈને ઘોડેશ્વાર વીરાંગનાઓની ઝાંખી જોવા મળી હતી. એક હાથમાં જીપનું સ્ટિયરિંગ તો બીજા હાથમાં તલવાર સાથે મહિલાએ રાસની રમઝટ બોલાવી હતી. બીજી બાજુ એક મહિલાએ એક હાથમાં બુલેટનું હેન્ડલ તો બીજા હાથમાં તલવાર ફેરવી રાસ લીધા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 13 વર્ષથી સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ, સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવા સહિતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભગિની ફાઉન્ડેશન દ્વારા બાઈક પર તલવાર રાસ શિખવવાની ખાસ શિબિર રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજથી ચાર વર્ષ પહેલાં ક્ષત્રિય સમાજની હજારો બહેનો એકસાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ પણ સ્થાપ્યો હતો.