સુરેન્દ્રનગર અને વઢવાણ બંને પાલિકા અલગ અલગ હતી ત્યારે બંને જગ્યાએ અલગ અલગ રીતે મેળાનું આયોજન કરવામાં આવતું હતુ. પરંતુ વર્તમાન સમયે બંને પાલિકા એક થઈ જતા સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકા દ્વારા મેળાના મેદાન માટેની હરાજી કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગરના મેદાન માટે અપસેટ પ્રાઇઝ રૂ.33 લાખ રાખવામાં આવી હતી. પરંતુ મેદાનની હરાજીમાં સારી બોલી બોલવામાં આવતા સુરેન્દ્રનગરના મેદાનની પાલિકાને અત્યાર સુધીની સૌથી વધુ રૂ.61.51 લાખની વિક્રમી આવક થઇ હતી. જ્યારે વઢવાણ મેળાના મેદાન માટે રૂ.42 લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી હતી. જ્યારે હરાજી કરવામાં આવી ત્યારે રૂ. 48 લાખ સુધીની બોલી બોલવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ કોઇએ મેદાન માટેની વધુ બોલી બોલી ન હતી. આથી વઢવાણ મેળાના મેદાનની પાલિકાને રૂ.48 લાખની આવક થઇ હતી. આમ પાલિકાને મેદાનની કુલ રૂ.10951000ની આવક થઇ હતી. હરાજીમાં નકકી થયેલી રકમ ઉપરાંત 18 ટકા જીએસટી અલગથી આપવાનો રહેશે. મેળાના મેદાનની હરાજી હોય પાલિકામાં 11 વાગ્યાથી લોકોની ભીડ જામી હતી. ટેન્ડર કોને આવશે અને કોણ મેદાન મારશે તેની ચર્ચાઓ થતી હતી. તો બીજી બાજુ કેવી રીતે રિંગ કરીને ઓછી રકમમાં મેદાન મેળવી શકાય તેની પણ ગણતરીઓ શરૂ કરવામાં આવી હતી.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }