અત્યારના સમયમાં વ્યક્તિને ગમે ત્યારે હાર્ટએટેક આવી જતો હોવાને કારણે લોકોમાં તેને લઈને સતત ચિંતા જોવા મળી રહી છે. બીજી બાજુ ગુના આચરતાં આરોપીઓને પોલીસે પકડે અને તેના કબજા દરમિયાન કોઈ આરોપીને હાર્ટએટેક આવી જાય તો શું કરવું તેને લઈને રાજકોટની પોલીસને સજ્જ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે ક્રાઈમ બ્રાન્ચ ખાતે આરોપીને હાર્ટએટેક આવે તો શું કરવું તેને લઈને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતના સ્ટાફને તાલીમબદ્ધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના દરેક પોલીસ મથકમાં હાર્ટએટેક આવે ત્યારે શું કરવું તેને લઈને માર્ગદર્શન આપતા પૉસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમજ આ અંગે ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે પોલીસ દ્વારા 18 વર્ષથી લઈ સિનિયર સિટીઝન સુધીના આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસના કબજા દરમિયાન આરોપીને હાર્ટએટેક આવી જાય ત્યારે શું કરવું તે અંગેની તમામ પ્રકારની તાલીમ તેમજ સીપીઆર ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલ દ્વારા સ્ટાફને આપવામાં આવી છે. આ ઉપરાંત આરોપીને પોલીસ મથકમાં લાવવામાં આવે એટલે તેનું બ્લડ પ્રેશર માપવા માટે ડિઝિટલ બ્લડ પ્રેશર મશીન મુકવામાં આવ્યું છે.ખાસ કરીને જ્યાં સુધી આરોપી પોલીસના કબજામાં રહે ત્યાં સુધી દરરોજ તેનું બ્લડ પ્રેશર માપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પીએસઓને સીપીઆર ટ્રેનિંગથી સજ્જ કરવામાં આવ્યા છે સાથે સાથે કોઈ આરોપીને હાર્ટએટેક આવી જાય તો તેને કઈ દવા આપવી તેની માહિતીથી વાકેફ કરવામાં આવ્યા છે.