નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય અન્વયે ‘કૃષિ સખી તાલીમ’ યોજાઈ
તાલીમ મેળવેલા ૩૨ બહેનો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના લાભ જણાવશે
રાજકોટ તા. ૨૩ મે – જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના તરઘડીયા ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ સખી તાલીમ યોજાઈ હતી.
પાંચ દિવસીય આ તાલીમમાં રાજકોટ જિલ્લાના જુદાં-જુદાં ગામોમાંથી આવેલા ૩૨ બહેનોને કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે થીયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું.
વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે, જમીન રસાયણ મુક્ત બને તથા આપણું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સમયાંતરે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવે છે, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે જ્ઞાન આપવાની સાથે તેના લાભ તેમજ રસાયણથી થતા નુકસાન અંગે તાલીમ આપવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો ઉપરાંત મહિલાઓ માટે કૃષિ સખી તાલીમ યોજવામાં આવે છે. આ તાલીમમાં બહેનોને વિનામૂલ્યે રહેવા, જમવાની સુવિધા સાથે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિ તેમજ પશુપાલન વિશે સમજ આપવામાં આવે છે.
આ તાલીમબદ્ધ મહિલાઓ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી આપી શકે અને વધુને વધુ ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ તાલીમ યોજવામાં આવે છે, તાલીમનાં અંતે તમામ મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં તરઘડિયાના ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશનના રિસર્ચ સાયન્ટિસ્ટ શ્રી ડૉ. ડી.એસ.હીરપરા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર સાયન્ટિસ્ટ શ્રી ડૉ. એમ.એમ.તળપદા તથા સાયન્ટિસ્ટ શ્રી ડૉ. જે.એચ.ચૌધરી ઉપસ્થિત રહ્યા છે.