રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યા બાદ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસી નેતાઓ અયોધ્યા નહીં જાય એવું નિવેદન સામે આવ્યા બાદ આજે પ્રદેશ કોંગ્રેસ-અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ કાર્યક્રમને ઇવેન્ટ ગણાવી છે. તેમણે નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર કામના નામે તો વોટ લઈ શકે એમ નથી, માટે રામના નામે વોટ લેવા નીકળ્યા છે. ભગવાનનાં દર્શન માટે આમંત્રણની જરૂર નથી, દરેક કોંગ્રેસીને રામમાં શ્રદ્ધા છે જ, પરંતુ શંકરાચાર્યજીનું કહેવું છે કે મંદિરનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણપ્રતિષ્ઠા ન થઈ શકે. રામ માટે રામનવમીથી મોટો કોઈ દિવસ ન હોઈ શકે, પરંતુ લોકસભા ચૂંટણી પહેલાં રામના નામે મત લેવા માટે 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ જુનાગઢ પ્રવાસે હતા તે દરમિયાન રાજકોટ સર્કિત હાઉસ ખાતે તેમને ટૂંકુ રોકાણ કર્યું હતું.