રાજકોટના કાલાવડ રોડ પર આવેલા આત્મીય સંકુલના કર્તાહર્તા ત્યાગવલ્લભસ્વામી સહિત 4 શખસે અલગ અલગ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થામાં ખોટા કર્મચારી ઊભા કરી બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી સેલરી નખાવી રૂ.33.26 કરોડની ઉચાપત કર્યા અંગે ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે અંગે પવિત્ર હર્ષદરાય જાનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું આત્મીય વિદ્યાધામમાં તા.21-04-2022થી ૨હું છુ અને છેલ્લાં 28 વર્ષથી તમામ ધાર્મિક સંસ્થાઓના સ્થાપક ગુરુ હરિ શ્રી હરિપ્રસાદદાસજીના તાબા હેઠળ સંન્યાસ લીધો છે તેમજ તેમના પર્સલન આસિસ્ટન્ટ તરીકે રહું છું અને સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક તરીકે કાર્યરત છું. ત્યારે ત્યાગવલ્લભસ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે પવિત્ર જાની દ્વારા સંસ્થાને બદનામ કરવા માટે કેસ કર્યો છે. ખોટી રીતે સંસ્થાના ટ્રસ્ટીઓ અને ભક્તોને હેરાન કરવા માટે જુદા જુદા 35 જેટલા કેસ કરવામાં આવ્યા છે. આ પૈકી રાજકોટમાં પણ ચેરિટી કમિશનર કચેરીમાં તેણે કેસ કર્યો છે. બધામાં તેણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. દર વર્ષે આવડી મોટી સંસ્થાઓમાં સીએ દ્વારા હિસાબો ઓડિટ થતા હોય છે. ઓડિટ થયેલા રિપોર્ટ સરકારના જે-તે વિભાગમાં મોકલવામાં આવતા હોય છે, પરંતુ પવિત્ર જાનીએ કરેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. બીજા ચાલતા કેસોમાં કદાચ ફાયદો થઈ જાય તેવી ખોટી ગણતરીથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે. કેસ હિયરિંગ પર છે અને અમને ન્યાયતંત્ર પણ પૂરો ભરોસો છે. આ અંગે એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. હાલ તપાસ ચાલુ છે. ત્યાગવલ્લભસ્વામીની ભૂમિકા અંગે તપાસ કરી રહ્યા છીએ.