બુધવારની રાત અમદાવાદ માટે કાળી સાબિત થઈ હતી ત્યારે 160ની પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારચાલક તથ્ય પટેલે અડફેટે લેતાં નવ લોકોના કરુણ મોત નીપજ્યાં હતાં. ત્યારે આ ઘટનામાં મૂળ ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું પણ મોત નીપજ્યું હતું જશવંતસિંહનો પાર્થિવદેહ સાંપા ગામે પહોંચતા જ આખું ગામ હીબકે ચડ્યું હતું અને સમગ્ર વાતાવરણ આક્રંદથી ગમગીન બની ગયું હતું. તો ઘટનાના બીજા દિવસે તેમની અંતિમયાત્રા નીકળતા લોકોની આંખો અશ્રુભીની થઈ ગઇ હતી. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. જવાનના અવસાનથી તેમના પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો. તેમના પરિવારમાં તેઓ પત્ની, પુત્ર અને પુત્રીને વિલાપ કરતાં મૂકી ગયા છે.